આખીએ રાત તને કહેવાની વાત મેં
બોલ્યે રાખી તો થયાં ઝાકળનાં પાંચ સાત ટીપાં……

હોઠે જો હોત એ પંખીનું ગીત થઈ
છોડી હું દેત એને ફળિયાની ડાળના માળામાં
પગની જો થાત એ રણઝણતી ઝાંઝરી
મૂકી હું દેત એને સત્તરમાં ઓરડે તાળામાં
અરે આંખોથી, ખોબાથી, ફૂલોથી, પાનોથી
કેમે સચવાય ના, ઝાકળનાં પાંચ સાત ટીપાં…. ..

પહેલું કિરણ જ્યાં સોયની અણી થઈ
સૂરજનું ખૂપ્યું તો ફૂટયાં કાળા ડિબાંગ પરપોટા
બીજું કિરણ જયાં ટીપાંને સ્પર્શયું ત્યાં
ટીપાંમાં પડી ગયાં જળનાં ય કારમાં તોટાં
મારા બોલ્યાનો નાદ, તને કહેવાની વાત ને
અંધારી રાત થયા દિવસ જેવા જ ખાલીપા……

-હર્ષદ ચંદારાણા

સ્વર :સંજય ઓઝા
સ્વરાંકન : માલવ દિવેટીઆ