કચક્કડાની ચૂડી રે મારું કૂણું માખણ કાંડું.
સૈયર શું કરીએ?

ફળિયે રોપ્યો લીંબુડીનો કાચો છોડ કાચો છોડ
કાચો રે પડછાયો એમાં
તકલાદી થડ ફરે,
ખડખડ કરતું પડે પાંદડું
ભણકારા અવતરે;

ખરબચડી કેડી પર પાની પરવાળાની માંડું.
સૈયર શું કરીએ?

અડધે મારગ ઠેબે આવ્યું રાતું ફૂલ રાતું ફૂલ
રાતું રે અજવાળું એમાં
લીલો સૂરજ તરે,

પડતર પાંપણના તોરણથી
ખરખર નીંદર ખરે;

સપનાનું સાંબેલું લઇને ઉજાગરાને ખાંડું.
સૈયર શું કરીએ?

– વિનોદ જોશી

સ્વર : વિભા દેસાઈ
સ્વરાંકનઃ ગૌરાંગ વ્યાસ

સૌજન્ય : સંજય રાઠોડ સુરત