ચાંદનીએ વાદળીથી ગોઠડી કરી
ફોરાંમાં વાત મૂકી વહેતી
ધરતી તોડીને ફૂટ્યાં તરણાં
એ સાંભળવા ઝરમર ઝૂકીને વાત કહેતી

લીલી વનરાઈની પાંદડીએ પાંદડીએ
દીવાની જેમ ઝગે વાત
અંધારું પાથરતાં વાદળાંની વચ્ચે અહીં
દિવસથી ઝાઝી તગે રાત
સાંજને ગયું છે એવું ગોઠી કે વણ પૂછે
છેક એ સવાર સુધી રહેતી

ગેબથી જે નીકળ્યો એ સૂર
લીયે શોધી આ ભીની માટીની શી મ્હેંક
ઝીણાં કો’જંતર નો તાર રહે.
ઝંકારે મોહક એ વાર્તાની ગહેક
ઉંઘરેટી આંખ કરે જાગતાની વાત
અને જાગતી આંખોમાં ઊંઘ વહેતી

-હરીન્દ્ર દવે

સ્વરઃ ગાર્ગી વોરા
સ્વરાંકન : રુદ્રદત્ત ભટ્ટ