હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠા
લેશન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠા

મમ્મી પાસે દોરી માંગી પપ્પાની લઈ લુંગી
પરદો બાંધી અમે બનાવી ફિલમ એની મૂંગી

દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ
એમાંથી ચાંદરડાં પાડવાં પરદા ઉપર પાંચ

ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું
હું’ ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ

કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક

ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી

દોડમ્ દોડા, ઉપર આવી પહોંચ્યાં મમ્મીપપ્પા
ચંદુડિયાનો કાન આમળ્યો મને લગાવ્યા ધપ્પા

– રમેશ પારેખ

સ્વર : પરેશ ભટ્ટ
સ્વરાંકન : પરેશ ભટ્ટ