સૂરમાં સૂર મિલાવી ગાઓ
Jun 21
ગીત Comments Off on સૂરમાં સૂર મિલાવી ગાઓ
[wonderplugin_audio id=”1258″]
સૂરમાં સૂર મિલાવી ગાઓ એવો એક આલાપ
સૂરની ભક્તિ સૂરની શક્તિ આનંદ મળે અમાપ
સુખનો સા.. મનહર આ
સરગમ આ… મનભર ગા
સા નો અર્થ છે શરુઆત શુભ
સહુનું મંગળ થાઓ
રાનો અર્થ છે રાધાભાવે
મિલન વિરહને ગાઓ.
સા ને ઘૂંટો , સાને સાધો, સરગમનો કરો જાપ
સૂરની ભક્તિ સૂરની શક્તિ આનંદ મળે અમાપ
સુખનો સા.. મનહર આ
સરગમ આ… મનભર ગા
ગ કહેતો કે ગાવું એ છે
શાતાદાયી સ્વરુપ
મ નો મહિમા સમજાવે છે
માનવતાનું રુપ
અવનિ અંબર લગ સચવાતી સ્વર પગલાંની છાપ
સૂરની ભક્તિ સૂરની શક્તિ આનંદ મળે અમાપ
પનો અર્થ છે પ્રાણમાત્ર પર
વરસાવો તમે પ્રેમ
ધ શીખવાડે પ્રેમનું ધન આ
ખૂટે ન ખરચે /નખૂટે / એમ
સૂરતાલ ને શબ્દ મળે ત્યાં વધે ભાવનો વ્યાપ
સૂરની ભક્તિ સૂરની શક્તિ આનંદ મળે અમાપ
સુખનો સા.. મનહર આ
સરગમ આ… મનભર ગા
ની માં છે એ નિરાંત મનની
શમે અજંપ આજીવ
સા ની વંદના કરો મળીને
સા જ સ્વયમ છે શીવ
ૐ કારનો પ્રણવમંત્ર હરે અજંપ મનનો તાપ
સૂરની ભક્તિ સૂરની શક્તિ આનંદ મળે અમાપ
સુખનો સા .. મનહર આ
સરગમ આ… મનભર ગા
– તુષાર શુક્લ
સ્વર : પ્રહર વોરા
સ્વરાકંન : પ્રહર વોરા