તો પપ્પા, હવે ફોન મૂકું?
તમનેય મોજ જરી આવે તે થયું મને
એસટીડીની ડાળથી ટહુકું ….

હૉસ્ટેલને…? હૉસ્ટેલ તો ફાવે છે..
જેમ કે કાંટામાં સચવાતું ફૂલ
તોય એ તો ઊઘડે છે… રંગભર્યું મહેંકે છે..
ડાળખીમાં કરે ઝૂલાઝૂલ
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું
પણ એમ થાય નહીં સૂકું..
તો પપ્પા, હવે ફોન મૂકું?

મમ્મિબા જલસામાં? બાજુમાં બેઠી છે?
ના ના તો વાસણ છો માંજતી,
કે’જો આ દીકરીયે તારાં સૌ સપનાંઓ
રાત પડ્યે નીંદરમાં આંજતી,
સાચવજો… ભોળી છે…. ચિન્તાળુ … ભૂલકણી …
પાડજો ના વાંકુ કે ચૂંકું ….
તો પપ્પા, હવે ફોન મૂકું?’

-મનોહર ત્રિવેદી

સ્વર : હિમાલી વ્યાસ નાયક
સ્વરાંકન : અમર ભટ્ટ

અમર ભટ્ટ