એની આંખો માં ઉર્દુ ના કાફિયા
Jun 22
ગીત Comments Off on એની આંખો માં ઉર્દુ ના કાફિયા
[wonderplugin_audio id=”1263″]
એની આંખો માં ઉર્દુ ના કાફિયા
એના હોઠો પર ફૂલોની ટોકરી
એ જો માને તો કરવી છે આપડે
એનો પાલવ પકડવાની નોકરી
એક ગાલિબ ના શેર જેવી છોકરી…
એ સમંદર ની લહેરો નું ગીત છે
એ તો ઝાકળથી દોરેલું ગામ છે
એ છે વગડામાં ઉગેલું ફૂલ ને
એના પગલા શુકન ના મુકામ છે
એને શોધે છે અંધારે આગિયા
ગુલમહોર એના સરનામાં ગાઈ છે
એની પાસે થી સૂરજના ચકારો
થોડા સંધ્યાના રંગો લઇ જાય છે.
એની પાસે લખાવે પતંગિયા
મીઠા મોસમ ની પહેલી કંકોત્રી
એક ગાલિબ ના શેર જેવી છોકરી…
એ તો ખુશ્બુનો ભાવાનુવાદ છે
પ્રેમ ગીતાનો પહેલો અધ્યાય છે
એની મસ્તીમાં સુફી ના શૂર ને
મુસ્કુરાહટ માં ફિલસૂફ વર્તાઈ છે
એના ઘર માં ટહુકા ના ચાકડા
એના આંગળમાં વરણાગી વાયરો
રોજ જામે છે એની આગાસીએ
ઓલા ચાંદા ને તારા નો ડાયરો
એની વાતો ઉકેલો તો લાગશે
કોઈ ગઢવીના છંદોની ચોપડી
એક ગાલિબ ના શેર જેવી છોકરી…
– મિલિન્દ ગઢવી
સ્વર : જીગરદાન ગઢવી
સંગીતઃ કેદાર, ભાર્ગવ