આઘેના ડુંગરિયે ટહુક્યો મોર
મારે રે ઉંબરિયે અવસર મ્હોરિયો
જમણી રે પાંપણીએ ફરક્યો રે તોર
ફરફરતાં તોરણિયે અવસર મ્હોરિયો…….
આઘેના ડુંગરિયે…….

આકાશે ચમકી રે જળની રે તેગ
રોપેલા માંડવડે અવસર મ્હોરિયો
ધરતીના પાલવડે પૂગ્યો રે મેઘ
મારા રે પાલવડે અવસર મ્હોરિયો……..
આઘેના ડુંગરિયે…….

ચાંદરણે ચૂવે છે જળનું રે તેજ
છલકાતી છાપરિયે અવસર મ્હોરિયો
શમણાંને ઓઢાડ્યો અતલસ ભેજ
આંખ્યુંની ઓસરિયે અવસર મ્હોરિયો……..
આઘેના ડુંગરિયે…….

ફળિયામાં આવીને પડીયું રે આભ
ડેલીના આંગણિયે અવસર મ્હોરિયો
જલધારે લખીયું રે શુભ અને લાભ
ઓકળિયે ઓકળિયે અવસર મ્હોરિયો…….
આઘેના ડુંગરિયે…..….

-હર્ષદ ચંદારાણા

સ્વરઃ સાઘના સરગમ અને વૃંદ
સ્વરાંકન : માલવ દિવેટિઆ