તન-તંબુર એકરાગ બજે બસ
એક રંગ છલકાયો
લાલ, પીળા, પચરંગી માથે
શ્યામલ રંગ છવાયો…તન તંબુર

એક કામળી, એક બાંસુરી
હદયે એક જ નામ
તન મેવાડે, મન જઈ મ્હાલે
મોરપિંચ્છને ધામ
પ્રીત પારખી, પ્રિતમ સીધ્ધો
રંગમોલમાં ધાયો
લાલ, પીળા, પચરંગી માથે
શ્યામલ રંગ છવાયો…તન તંબુર

મરુભોમની મુઠ્ઠી ધૂલિ
ભઈ અસુંવનની ભાખા
વ્યાકૂળ વિરહા, સ્વયમ વલ્લરી
જેની ઊંચી શાખા
ગાઈ ગાઈ-નેગિરધરને તેં
ચાહ્યો બહુ છતરાયો
લાલ, પીળા, પચરંગી માથે
શ્યામલ રંગ છવાયો.

-સંજુ વાળા

સ્વરઃ ગાર્ગી વોરા
સ્વરાંકન : ડો ભરત પટેલ