આષાઢસ્ય પ્રથમ દિવસે, હું ઉભો રહી ઝરુખે
ન્યાળી રહું છું, ગગન ઘનથી ઘોર ઘેરાયેલાને
ક્યાં છે પેલો પુનિત ગરવો રામઅદ્રી અને ક્યાં
શૃંગે છાયો જલધર, સ્મરું છું કાલીદાસી કલાને

ક્યાં છે પેલો મદકલ ભર્યો સરસોના નિનાદ
ક્યાં છે કાળા નભ મહીં જતા રાજહંસો રૂપાળા
ક્યાં છે પેલી નગરી અલકા ને વળી આ ભૂમિ ક્યાં
એમાંનું ના કદી મળી શકે, તત્વ એકે અહિયાં

આહીં ઊંચા ગગન ચૂમતા કંઈ મકાનો અને છે
કાવ્યો કેરા સુખ થકી રહ્યા માનવીઓ અલિપ્ત
દોડી ટ્રેને તરી પવનમાં વાયુ યાને ટપાલે
ટેલિફોને વિરહ સુખની ઉર્મીઓને હણે જે
આથી તો ના અધિક સુખીઓ યક્ષ કે જે પ્રિયાને
સંદેશો કંઈ ફૂલ શું હળવો એ કરે છે હૈયા ને

-સુરેશ દલાલ

સ્વરઃ પ્રહર વોરા
સ્વરાંકનઃ આલાપ દેસાઈ