પથ્થરનો ઘડીને બેસાડ્યો, ફૂલને વાધા પહેરાવ્યાં,
માનવની મુજમાં સમજે ના,એવો પ્રભુ બનાવ્યો શા માટે?

પૂજારી ઘંટી મારીને પ્રભાત ગાઇ ઊઠાડે
પરદામાં રહીને સ્નાન કરે, એવો પ્રભુ બનાવ્યો શા માટે?

ભોજનમાં ધર્યા મિષ્ટાનો ને મેવાના થાળો શા માટે?
આવે તો પૂછી લેવું છે, આ ગરીબો ભૂખ્યાં શા માટે
એવો પ્રભુ બનાવ્યો શા માટે?

જડભરત જેવો ઊભો છે, પથ્થરનો ઊંચો હાથ કરી,
દુઃખિયાનાં શિશ નમાવે છે, એ મુખ મલકાવે શા માટે?
એવો પ્રભુ બનાવ્યો શા માટે?

આનંદ મને તો આવે છે, એની સાથે ઝઘડવામાં,
દુઃખો આપે તો છો આપે, દુઃખોની પરવા શા માટે?
એવો પ્રભુ બનાવ્યો શા માટે?

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન :પુરુષોત્તમ ઉપાધ્યાય