ભીતરનો ભેરું મારો આતમો ખોવાયો

Comments Off on ભીતરનો ભેરું મારો આતમો ખોવાયો

ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો,
મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રે,
વાટે જનારા કોઈને જડ્યો હોય તો કહેજો … ભીતરનો ભેરુ

એના રે વિના મારી કાયા છે પાંગળી,
આંખ્યું છતાંય મારી આંખો છે આંધળી,
મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રે
સરવરમાં તરતા કોઈએ જોયો હોય તો કહેજો… ભીતરનો ભેરુ

તનડું રુધાણું મારું, મનડું રુંધાણું,
તાર તૂટ્યો ને અધવચ ભજન નંદવાણું,
કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો રે,
આખેરે સળગતો કોઈએ દીઠો હોય તો કહેજો … ભીતરનો ભેરુ

અવિનાશ વ્યાસ

સ્વર : સુરેશ વાડકર

રાત આખી ઝરમરના ઝાંઝર વાગે

Comments Off on રાત આખી ઝરમરના ઝાંઝર વાગે

રાત આખી ઝરમરના ઝાંઝર વાગે
કે માડી ગેબના મલકથી ઊતરતાં લાગે
રાત આખી ઝરમરના ઝાંઝર વાગે
કે માડી ગેબના મલકથી ઊતરતાં લાગે

ધીમું ધીમું રે કોઈ જંતર વાગે
વિના વેણ સંભળાય કોઈ ગાણું
મધરાતે મન એનાં સૂરમાં પરોવ્યું
એને સાંભળી રોકાઈ ગયું વ્હાણું

જરા હળવે કે ચાંદનીને ફોરાં વાગે
કે માડી ગેબના મલકથી ઊતરતાં લાગે

આભથી પનોતા કોઈ પગલાં પડે
ને પછી ધરતીનું હૈયું મ્હેક મ્હેક
ભીના તરણાંનું ગીત સાંભળું ત્યાં
અજવાળું પાથરે છે મોરલાની ગ્હેક

હજી કળીયો સૂતી’તી, હવે ફૂલો જાગે
કે માડી ગેબના મલકથી ઊતરતાં લાગે
રાત આખી ઝરમરના ઝાંઝર વાગે
કે માડી ગેબના મલકથી ઊતરતાં લાગે

-હરીન્દ્ર દવે

સ્વરઃ હંસા દવે
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

આજ રીસાઈ અ કારણ રાધા

Comments Off on આજ રીસાઈ અ કારણ રાધા

આજ રીસાઇ અકારણ રાધા…
આજ રીસાઇ અકારણ
બોલકણીએ, મૂંગી થઇ ને
મૂંગું એનું મારણ

મોરલીના સૂર છેડે માધવ
વિધવિધ રીતે મનાવે
નીલ-ભૂરા નીજ મોરપિંછને
ગોરા ગાલ લગાવે

આજ જવાને કોઇ બહાને
નેણથી નીતરે શ્રાવણ
રાધા.. આજ રીસાઇ અકારણ

છાની છેડ કરે છોગાળો
જાય વળી સંતાઇ
તોય ન રીઝે રાધા
કા’નનું કાળજું જાયે કંતાઇ

થાય રે આજે શામળિયાને
અંતરે બહુ અકળામ
રાધા… આજ રીસાઇ અકારણ

આજ રીસાઇ અકારણ
રાધા… આજ રીસાઇ અકારણ

-સુરેશ દલાલ

સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિઆ

@Amit Trivedi