આજ રીસાઇ અકારણ રાધા…
આજ રીસાઇ અકારણ
બોલકણીએ, મૂંગી થઇ ને
મૂંગું એનું મારણ

મોરલીના સૂર છેડે માધવ
વિધવિધ રીતે મનાવે
નીલ-ભૂરા નીજ મોરપિંછને
ગોરા ગાલ લગાવે

આજ જવાને કોઇ બહાને
નેણથી નીતરે શ્રાવણ
રાધા.. આજ રીસાઇ અકારણ

છાની છેડ કરે છોગાળો
જાય વળી સંતાઇ
તોય ન રીઝે રાધા
કા’નનું કાળજું જાયે કંતાઇ

થાય રે આજે શામળિયાને
અંતરે બહુ અકળામ
રાધા… આજ રીસાઇ અકારણ

આજ રીસાઇ અકારણ
રાધા… આજ રીસાઇ અકારણ

-સુરેશ દલાલ

સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિઆ