રાત આખી ઝરમરના ઝાંઝર વાગે
કે માડી ગેબના મલકથી ઊતરતાં લાગે
રાત આખી ઝરમરના ઝાંઝર વાગે
કે માડી ગેબના મલકથી ઊતરતાં લાગે

ધીમું ધીમું રે કોઈ જંતર વાગે
વિના વેણ સંભળાય કોઈ ગાણું
મધરાતે મન એનાં સૂરમાં પરોવ્યું
એને સાંભળી રોકાઈ ગયું વ્હાણું

જરા હળવે કે ચાંદનીને ફોરાં વાગે
કે માડી ગેબના મલકથી ઊતરતાં લાગે

આભથી પનોતા કોઈ પગલાં પડે
ને પછી ધરતીનું હૈયું મ્હેક મ્હેક
ભીના તરણાંનું ગીત સાંભળું ત્યાં
અજવાળું પાથરે છે મોરલાની ગ્હેક

હજી કળીયો સૂતી’તી, હવે ફૂલો જાગે
કે માડી ગેબના મલકથી ઊતરતાં લાગે
રાત આખી ઝરમરના ઝાંઝર વાગે
કે માડી ગેબના મલકથી ઊતરતાં લાગે

-હરીન્દ્ર દવે

સ્વરઃ હંસા દવે
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય