પ્રેમ કરું છું હું તને પ્રેમ કરું છું

Comments Off on પ્રેમ કરું છું હું તને પ્રેમ કરું છું

પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું,
જાણું નહીં કે કેટલો ને કેમ કરું છું.

વધતો રહે છે, સહેજ પણ ઘટતો નથી કદી
છલકાતો જાય છે, હું જેમ જેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

દિવસો વીતી રહે છે તને જોઈ જોઈને,
રાતો પસાર હું જેમ-તેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

ખીલતો રહું છું હુંય ને ખૂલતો જઉં છું હું,
ગમતું રહે છે જેમ તને હું તેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

ભૂલીને ઘાટ જૂજવા એકાંતની ક્ષણે,
ઓગાળી એને હેમનું હું હેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

– તુષાર શુક્લ

સ્વર : નયન પંચોલી
સ્વરાંકન : નયન પંચોલી

આમ સંકોચાય છે એ કોણ છે

Comments Off on આમ સંકોચાય છે એ કોણ છે

આમ સંકોચાય છે એ કોણ છે?
કટકા કટકા થાય છે એ કોણ છે?

પૂછવા ક્યાં જાય છે એ કોણ છે?
એને પૂછતાં શું થાય છે એ કોણ છે?

પૂછીએ ક્યાં ચાલ સ્પર્શી જોઈએ,
સ્પર્શથી ગભરાય છે એ કોણ છે?

પ્રેમથી જે પાય છે પી જાવું છું,
રામ જાણી પાય છે એ કોણ છે?

એજ છે નિશંક ‘ઘાયલ’ એજ છે,
ઝૂમતા જે જાય છે એ કોણ છે?

– અમૃત ‘ઘાયલ’

સ્વર: નયન પંચોલી
સ્વરાંકન : નયન પંચોલી

વાદળ વરસાદ અને વ્હાલપ ને….

Comments Off on વાદળ વરસાદ અને વ્હાલપ ને….

 

 

વાદળ વરસાદ અને વ્હાલપ ને વ્હાલમાં ભીંજવવું એમનો સ્વભાવ
આષાઢી ઈજન દઈ બોલાવે બહાર મને કહેતા અગાસીમાં આવ
મારે કેમ કરી કહેવું કે જાવ

ભીંના ઈશારે એ બોલાવે તો ય હું તો જોઈ લઉં બારીની બહાર
આંખોથી ચોકી દે ઉંબર પર રોકી છો ખુલ્લા હો ઘર કેરા દ્વાર
તરસી હું તડપું કોરી ધાકોર બહાર લૂંટાતો લાખેરો લાલ મારે કેમ કરી કહેવું કે જાવ

બંધ કરું બારી કે ભીડી દઉં બારણા તો આંખો માં વરસે ચોધાર
ભીંતો ને તોડીને વહી આવે આમ એવો છેડયો છે એણે મલ્હાર

-તુષાર શુક્લ

સ્વર : નયન પંચોલી
સ્વરાંકન : નયન પંચોલી

હવે મંદિરના બારણા ઉઘાડો

Comments Off on હવે મંદિરના બારણા ઉઘાડો

હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત

ચંદ્રમાનું ચંદન અને સૂરજનું કંકુ
આસમાની ઓઢણીમાં ટપકીયાળી ભાત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત

કે નભના તારલિયા તારી આરતી ઉતારે
ને સમીરની શરણાઇ ગાઇ તુજને સત્કારે
આજે માવડીના મિલનની જાગ્યું અભિરાત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત

– અવિનાશ વ્યાસ

સ્વર : પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

આજ મારું મન માને ન માને…

Comments Off on આજ મારું મન માને ન માને…

આજ મારું મન માને ના માને ના

કેમ કરી એને સમજાવું
આમ ને તેમ ઘણુંય રીઝાવું
રેઢું મૂકી આગળ શેં જાવું

વાત મારી લે કાને ના કાને ના
આજ મારું મન માને ના માને ના

ચાલ પણે છે કોકીલ-સારસ
આવ અહીં છે મીઠી હસાહસ
દોડ ત્યાં લૂંટીએ સાહસનો રસ

સમજતું કોઈ બહાને ના બહાને ના
આજ મારું મન માને ના માને ના

ના થઈએ પ્રિય છેક જ આળા
છે જગ-મંડપ કૈંક રસાળા
એ તો જપે બસ એકજ માળા

તું કેમ મળતો હવે ના હવે ના
આજ મારું મન માને ના માને ના

કેમ કરી એને સમજાવું
આમ ને તેમ ઘણુંય રીઝાવું
રેઢું મૂકી આગળ શેં જાવું

વાત મારી લે કાને ના કાને ના
આજ મારું મન માને ના માને ના

આજ મારું મન માને ના માને ના

-ઉમાશંકર જોશી

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : અમર ભટ્ટ

@Amit Trivedi