પૂછતી નહીં કેટલો પાગલ

Comments Off on પૂછતી નહીં કેટલો પાગલ

 
[wonderplugin_audio id=”1281″]

 

પૂછતી નહીં કેટલો પાગલ…. કેટલો પાગલ
આભમાં જોને કેટલા વાદળ…. એટલો પાગલ

ઝાડનું નાનું ગામ વસાવ્યું ને ફૂલને તારું નામ દીધું છે
ભમરા તને ગૂંજ્યા કરે, ગૂંજવાનું મેં કામ દીધું છે
જળને તારું નામ દઈ ઢંઢોળી દેતો
ખોવાઈ ગયેલા નામને મારા ખોળી લેતો
નદી તારા નામની વહે, એ જ નદીનું જળ પીધું છે
આપણા પ્રેમની સુખની દુઃખની વાત કરું છું શબ્દો આગળ….

પ્હાડની ઉપર સૂરજ ઊગ્યો, રાતના ઊગ્યા તારા
દિવસ અને રાત તો તારાં નામના છે વણઝારા
ધરતીમાંથી નામના તારાં તરણાં ફૂટે
ઝરણાં તારાં નામને ઝીણાં લયમાં ઘૂંટે
સાગર, ખડક, પવન, સડક સૌને તારું નામ કીધું છે
નામ તો તારું ગીતને માટે સાવ કુંવારો કોરો કાગળ….

-સુરેશ દલાલ

સ્વર : અમન લેખડીઆ
સ્વરાંકન : માલવ દિવેટિઆ

ઊગ્યા ઊગ્યા ડુંગર વચ્ચે દરિયા રે..

Comments Off on ઊગ્યા ઊગ્યા ડુંગર વચ્ચે દરિયા રે..

 

[wonderplugin_audio id=”1279″]

 

ઊગ્યા ઊગ્યા ડુંગર વચ્ચે દરિયા રે……. અત્તરિયારાજા
પડછાયાં પાણીમાં એવાં તરિયા રે……. અત્તરિયારાજા

પાંપણમાંથી કોઈ અચાનક છટક્યું રે… અત્તરિયારાજા
લોચનને અંધારું એવું ખટક્યું રે  …….   અત્તરિયા રાજા

ખરી ગયેલા શ્વાસ છાતીએ વાગ્યા રે…. અત્તરિયારાજા
અડધી રાતે સાગ-ઢોલિયા જાગ્યાં રે….. અત્તરિયારાજા

હથેળિયુંમાં ખળખળ નદિયું વહેતી રે… અત્તરિયા રાજા
ભીની ભીની દંતકથાઓ કહેતી રે…….. અત્તરિયારાજા

-લાલજી કાનપરિયા

સ્વરઃ ગાર્ગી વોરા અને વૃંદ
સ્વરાંકન : માલવ દિવેટિઆ

આઘેના ડુંગરિયે ટહુક્યો મોર

Comments Off on આઘેના ડુંગરિયે ટહુક્યો મોર

 
[wonderplugin_audio id=”1278″]
 

આઘેના ડુંગરિયે ટહુક્યો મોર
મારે રે ઉંબરિયે અવસર મ્હોરિયો
જમણી રે પાંપણીએ ફરક્યો રે તોર
ફરફરતાં તોરણિયે અવસર મ્હોરિયો…….
આઘેના ડુંગરિયે…….

આકાશે ચમકી રે જળની રે તેગ
રોપેલા માંડવડે અવસર મ્હોરિયો
ધરતીના પાલવડે પૂગ્યો રે મેઘ
મારા રે પાલવડે અવસર મ્હોરિયો……..
આઘેના ડુંગરિયે…….

ચાંદરણે ચૂવે છે જળનું રે તેજ
છલકાતી છાપરિયે અવસર મ્હોરિયો
શમણાંને ઓઢાડ્યો અતલસ ભેજ
આંખ્યુંની ઓસરિયે અવસર મ્હોરિયો……..
આઘેના ડુંગરિયે…….

ફળિયામાં આવીને પડીયું રે આભ
ડેલીના આંગણિયે અવસર મ્હોરિયો
જલધારે લખીયું રે શુભ અને લાભ
ઓકળિયે ઓકળિયે અવસર મ્હોરિયો…….
આઘેના ડુંગરિયે…..….

-હર્ષદ ચંદારાણા

સ્વરઃ સાઘના સરગમ અને વૃંદ
સ્વરાંકન : માલવ દિવેટિઆ

પાનખરની સાંજ માટે

Comments Off on પાનખરની સાંજ માટે

 

[wonderplugin_audio id=”1277″]

 

પાનખરની સાંજ માટે સાચવ્યો સૂરજ અને
આસોની રાત માટે ચાંદ
વાસંતી વ્હાલ માટે કોયલને સાચવી ને
સાચવ્યાં છે થોડાં ફૂલ પાંદ………..
પાનખરની……….

તારા પંખી માટે સાચવ્યું આકાશ
તારા ધુમ્મસિયા ખ્યાલ માટે વાદળ
દિવસ ને રાત અને પળપળ વિતે છે
તારી આસપાસ આગળ ને પાછળ
દરિયો પણ તું અને હોડી પણ તું અને
તું જ છે હલ્લેસાં ને સુકાન……….….
પાનખરની……..

સાચવ્યા છે કેટલાંય કોરા કાગળ
હજી કેટલાય ગીત નથી ગાયાં
સાથે હોઈએ કે છૂટા હોઈએ પણ
ઉછર્યા કરે છે તારી માયા
મારા એકાંતના સરવરમાં સાચવેલું
ઊઘડે કમળ ભીને વાન…….
પાનખરની……….

-સુરેશ દલાલ

સ્વરઃ ઐશ્વર્યા મજમુદાર
સ્વરાંકન : માલવ દિવેટિઆ

સાંજ સમે શામળિયો વ્હાલો

Comments Off on સાંજ સમે શામળિયો વ્હાલો

 

[wonderplugin_audio id=”1276″]

 

સાંજ સમે શામળિયો વ્હાલો વૃંદાવનથી આવે રે
આગળ ગૌધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે રે

મોર મુકુટ શિર સુંદર ધરિયો, કાને કુંડળ લહેકે
પહેર્યા પીતાંબર ફૂલની પછેડી, ચૂવા ચંદન મહેકે
સાંજ સમે શામળિયો…….

તારામંડળમાં જેમ શશિયર શોભે, હેમે જડિયો હીરો
તેમ ગોવાળામાં ગિરીધર શોભે, હરિ હળધરનો વીરો
સાંજ સમે શામળિયો……..

હાલાજીનું રૂપ હૃદયમાં વસીયું, મનડું તે ધસીયું મારું
આળ કરી આલિંગન દીધું, તનમન મુખ પર વારુ
સાંજ સમે શામળિયો……..

વ્હાલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વીણ કેમ રહીએ,
નરસૈયા ચા સ્વામીની શોભા, નીરખી નીરખી હરખીએ
સાંજ સમે શામળિયો…….

-નરસિંહ મહેતા

સ્વરઃ આલાપ દેસાઇ
સ્વરાંકન : માલવ દિવેટિઆ

Older Entries

@Amit Trivedi