દે પ્રભુ મક્કમ મનોબળ, ના કદી મનથી મરું,
કોઈના આંસુ લૂંછી આ ટેરવાં પાવન કરું.

ભેટવા કે સાથ દેવા હાથ લંબાતા રહે,
ના કદી એ હાથથી હું ક્યાંય પણ ખોબો ધરું.

એટલી ઈચ્છા, કદી ના દાસ ઈચ્છાનો બનું,
જેટલું જ્યાં જે મળે તેથી જીવન જલસો કરું.

જિંદગી જગમાં જીવું પંકજ સ્વરૂપે પંકમાં,
તું મળે ત્યારે શરમથી ના નજર નીચી કરું.

ઝળહળું જક્કાસ જાજરમાન ઝાકળ બુંદ-શો,
ચાર પળની હો ભલે પણ જિંદગી અભરે ભરું.

ઝાડ માફક પોષ ને ફાગણ સ્વીકારું હું સહજ,
હોય કઠિયારો કે માળી, છાંય સરખી પાથરું.

– કિશોર બારોટ