છોડ્યું છોડ્યું એમ કહો છો પણ ત્યાંનાં ત્યાં વળગ્યા છો ને ?
ઝળહળતા રહેવાની જિદ્દમાં સાચું કહેજો સળગ્યા છો ને ?

નહીંતર તો આંખોમાં આંસુ આ રીતે ઊગે જ નહીં ને !
પથ્થરની પાંપણ પહેરી છે પણ અંદરથી પલળ્યા છો ને ?

ભલે છુપાઓ તેમ છતાં આ ચહેરા પરથી સ્પષ્ટ થાય છે ,
ઘરમાં રહીને પણ અંતે તો ચારે બાજુ રઝળ્યા છો ને ?

રોજે રોજ તમારો દાવો પળભરમાં તો ઊડી જાય છે
તોય ફરી તરણાંની ટોચે ઝાકળ થઈને ઝળક્યા છો ને ?

કાલે કરગરતા’તા ત્યારે એની સાથે હું જ ઊભેલો,
એ જ ઉછીના અજવાળાથી સૂરજ બનવા નીકળ્યા છો ને ?
 
કૃષ્ણ દવે

 
(“આવશે” ગઝલ સંગ્રહમાંથી)