ગુરુવર તમને વંદન.
હું ઓરસિયો પથ્થરનો, ને તમે ઘસાતું ચંદન.

આંખો આપી, પાંખો આપી, ને આપ્યું આકાશ,
ચકલીમાંથી ગરુડ થવાનો જન્માવ્યો વિશ્વાસ,
વ્હેમ ભીરુતા આળસ અડચણ, કાપ્યાં સઘળાં બંધન.
ગુરુવર, તમને વંદન.
હું ઓરસિયો પથ્થરનો ને તમે ઘસાતું ચંદન.

અહમ્ પરમના છેડા સાંધ્યા, તાણી બાંધ્યા તાર,
મને તુંબડામાંથી દીધો તંબુરનો અવતાર,
રોમ-રોમથી નાદબ્રહ્મનું ગુંજ્યું રણઝણ ગુંજન.
ગુરુવર તમને વંદન,
હું ઓરસિયો પથ્થરનો ને તમે ઘસાતું ચંદન.
 
કિશોર બારોટ