હવે   અપનાવી   લેજે, હું બધું   છોડીને આવ્યો છું,
કે તારો  થઇ  જવા   તારી  કને  દોડીને   આવ્યો છું.

પ્રતિબિંબો મને   ભૂતકાળના   ઘેરી લે   એ   પ્હેલાં,
અરીસા   કારમી   યાદોતણાં   ફોડીને   આવ્યો  છું.

સબંધો,   ઓળખાણો, બંધનો   ને  વળગણોની એ,
બધી યે ખાંભીઓને ત્યાં જ હું   ખોડીને આવ્યો છું.

લપસણાં માર્ગ પર અણજાણતા લપસી જવાયું છે,
પ્રલોભનથી  ભર્યો   રસ્તો એ તરછોડીને આવ્યો છું.

મળે  છે  ક્યાં  હકીકતમાં   કદી તું   કોઈને  ઈશ્વર?!
છતાં યે રાખીને  શ્રધ્ધા, ભરમ   તોડીને  આવ્યો  છું.

હવે અપનાવી   લેજે, હું  બધું  છોડીને   આવ્યો છું,
કે   તારો   થઇ જવા તારી  કને   દોડીને  આવ્યો છું.
 
-હિમલ પંડ્યા