પ્રથમ તમે આ બધાંથી થોડા, અલગ પડો  તો મજા પડી  જાય.
તમે  મને જે કહ્યા કરો  છો, તમે  કરો   તો   મજા   પડી   જાય.

આ પીળા  પર્ણો સ્વયં  ખસીને,  નવાંની  ડાળે  જગા  કરે  છે.
હવે  આ પહેલી  હરોળમાંથી, તમે ખસો તો  મજા  પડી  જાય.

ઝરુખે બેસી તમે લખેલી,  સૂરજની   ગઝલો  સરસ  છે  કિન્તુ;
કદીક તડકો ઉઘાડા બરડે, ઝીલી  લખો  તો મજા  પડી  જાય.

રમું  છું, એ  જોઈને કહો  છો, તમારે  તો  બસ  મજા  મજા  છે,
તો મારા બદલે રમો આ બાજી , પછી કહો તો મજા પડી જાય.

પતંગમાં   જો  પવન   ભરાશે,  પછી   વજન   દોરનુંય   લાગે.
રમત આ સમજી પતંગ નીચે, ઉતારી લ્યો તો  મજા પડી જાય.
 
 
-ગૌરાંગ ઠાકર