દોસ્ત! વાત મારી તું માન,
જન્માષ્ટમી સાવ હવે નજદિક આવે છે તો આપણેય થઈ જઈએ ક્હાન!
દોસ્ત વાત મારી તું માન

સપનાની છલકાતી મટકીઓ ફોડીને
મધમીઠા માખણને ખાઈએ,
ઇચ્છાની ગોપીઓ જો નહાવાને આવે તો
વસ્ત્રો લઈ આપણે સંતાઈએ,
વ્હાલપની વાંસળીને ફૂંકીને ચાલ ગાઈ આપણેય અદકેરું ગાન,
દોસ્ત વાત મારી તું માન…

આપણામાં બેઠો છે કાળમીઢ કંસ
એને પડકારી મેદાને હણીએ,
જીવતરના દરિયાની અંદર જઈ આપણેય
આપણી દુવારકાને ચણીએ!
એ વ્હેલા સમજી જઈ આપણે કે શ્વાસ ક્યાંક ખોઈ દે સુધ-બુધ-ભાન…
દોસ્ત વાત મારી તું માન…
 
– અનિલ ચાવડા