આજ મારા નુપૂરઝંકારને જગાડી કોણ જાય,
સૂર મારા પોઢી રહ્યા, નિંદરને ખોળલે,
રૂમઝુમ ઝુમ નાદ એનો વિશ્વમહીં વિસ્તરે..

સંધ્યા સલૂણી જઇ સાગરમાં પોઢતી,
અવનીએ ચૂંદડી અંધાર ઘેરી ઓઢતી
આજ મારી અંજલિએ પૂર્ણિમાની ચાંદની ઢોળાય…

ઘેરો રણકાર આજે વાગે મારી ઘૂઘરીમાં,
સૂરના સમીરણો ભરાય મારી બંસરીમાં,
આજ મારા આતમના આઠઆઠ વિંધ વિંધી જાય…

દેહના શૃંગાર જાગે, મનના મલ્હાર જાગે,
નવલા સંગીત આજ હંસ કેરા ગાન જાગે,
આજ મારી જીવનશિશિરમાં વસંતિકા લહેરાય…
 
– પ્રવિણ બક્ષી

 
સ્વર : ચિત્રા શરદ અને સાથીઓ
સંગીત : દિપેશ દેસાઇ