દીપોત્સવીના દીવે દીવે દેવ, આંગણે આવો,
અંધકારનાં બંધન કાપી પ્રભાત મંગલ લાવો.

ઘ૨-શે૨ી ને ગામ સર્વમાં રહો શુદ્ધિ-સમૃદ્ધિ;
રહો અમારા તન-મનમાંયે સુખ-શાંતિ-સંશુદ્ધિ;
નવા ચંદ્રથી, નવા સૂર્યથી અંતરલોક દીપાવો ! –

જીર્ણશીર્ણ સૌ નષ્ટ થાય ને ઝમે તાજગી-તેજ;
હાથે-બાથે હળતાં-મળતાં હૈયે ઊછળે હેજ !
નવા રંગથી, નવા રાગથી માનસપર્વ મનાવો ! –

આજ નજરમાં નવલી આશા, પગલે નૌતમ પંથ;
નવાં નવાં શૃંગો સર કરવા, આતમ ખોલે પંખ;
નવા દેશના, નવી દિશાના પવન સુગંધિત આવો.

 
-ચંદ્રકાંત શેઠ
 
સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ
 

સૌજન્ય : સંજય રાઠોડ સુરત