સાંજ ઢળે ને આવે તારાં સ્મરણોનું અજવાળું
સાજણ, કેમ કરી સંભાળું?

એક અમસ્તી અટકળ લઈને કેમ બધું શણગારૂં?
ભીંત, ટોડલો, આંગણ, ઉંબર, ને હોવું આ મારૂં
ઉજાગરાને આંખે આંજી શમણાં પાછાં વાળું
સાજણ, કેમ કરી સંભાળું?

ઉભડક જીવે બારસાખ પર સૂક્કાં તોરણ ઝૂલે,
સૂરજનું છેલ્લું કિરણ લઇ ઈચ્છા અઢળક ખૂલે
પાંગત પર બેસીને ઠાલાં પડછાયા પંપાળું
સાજણ, કેમ કરી સંભાળું?

 
-વિમલ અગ્રાવત
 

સ્વરઃ ડૉ. ફિરદૌસ દેખૈયા
સ્વરાંકન :ડૉ. ફિરદૌસ દેખૈયા