આમ રોજે ઘેરાય, નહીં વરસે.mp3

 

આમ રોજે ઘેરાય, નહીં વરસે,
વરસાદ મારા વ્હાલમજી જેવો…
મને તરસાવી પોતે પણ તરસે,
વરસાદ મારા વ્હાલમજી જેવો…

કોરા રહે ને વળી જાતે હિજરાય એવા
બંને સ્વભાવથી છે સરખા,
મન મૂકી વરસે નહીં બેમાંથી કોઈ
મને લથબથ ભીંજ્યાના અભરખા;
એમ સમજાવ્યો સાનમાં ન સમજે,
વરસાદ મારા વ્હાલમજી જેવો…

મનના માનેલ અને આષાઢી છેલ,
હું તો કેમ કરી સમજાવું તમને?
ઓઢણીનું આછેરું ઈજન ન ઓળખો તો
લાજ્યું ન આવે કાંઈ અમને?
સાવ આઘે આઘેથી મને અડકે,
વરસાદ મારા વ્હાલમજી જેવો…
 
-તુષાર શુક્લ
 
સ્વર: આરતી મુન્શી
સ્વરાંકન: હરિશ્ચંદ્ર જોશી