પગને પરખી પથની ધૂલિ રે
મને લૈ ગઈ દૂર મઢૂલી રે

મારી પાછળ વહી આવતો સાંજ સમેનો શૉર
ગયો ઓસરી હોવાની સમજણનો જૂઠો તૉર
તરત જ નીરવ વાણી ખૂલી રે

કોણ ખેંચતું રહ્યું ને આવ્યો કિયા જનમના ઋણે?

અળવીતરી મેં મૂકી દુવિધા અહીં સાંઈના ધૂણે
ભીતરે ટાઢક ફાલીફૂલી રે

ઓછપ જેવું કશું બચ્યું નઈં : ભરચકતાની પાર –
આંખે દેખ્યો પેલવારુકો અદીઠનો અંબાર
પડી ત્યાં દુનિયા સાવ અટૂલી રે
પગને પરખી પથની ધૂલિ. રે
મને લૈ ગઈ દૂર મઢૂલી રે
 
-મનોહર ત્રિવેદી
 
સ્વરઃ ડો ભરત પટેલ
સ્વરાંકન : ડો ભરત પટેલ
 
 

*