ભલે હોય ગજવું ભરેલું કે ખાલી,
ભીતર મોજની એ જ જાહોજલાલી.

કર્યો જો હશે હાથ લાંબો કદાચિત,
અમે માત્ર માંગી હશે હાથતાલી.

થશે એ જ નક્કી જે ધાર્યું ધણીએ,
પછી શાને કરવી ફિકર સાવ ઠાલી?

મળે રોટલો ના તો ઉપવાસ માનું,
હું વ્હેંચી જમું, જો ભરેલી હો થાલી.

જીવન એક ઉત્સવ ગણી હું જીવું છું,
દિવસભર ધુળેટી ને રાતે દિવાલી.

મુબારક તને તારા અબજોની ચિંતા,
મને મારી મૌજે ફકીરી છે વ્હાલી
 
– કિશોર બારોટ
 

સ્વર : ડો. ભરત પટેલ
સ્વરાંકન :ડો. ભરત પટેલ