પંખીની આવજાવ નથી, શું કરી શકું?
હું વૃક્ષ કે તળાવ નથી, શું કરી શકું?

જોયા કર્યા છે દૂરથી સૌ છાંયડાને મેં,
એક્કેયમાં પડાવ નથી, શું કરી શકું?

એની બધી કુટેવને જાણી ગયો છતાં
ઓછો થતો લગાવ નથી, શું કરી શકું?

કહેતા હતા એ રોજ કે થોડો તો પ્રેમ છે,
આજે કહ્યું કે સાવ નથી, શું કરી શકું?

એક જ ઉપાય છે હવે, દરિયાને કરગરું!
મારા કહ્યાંમાં નાવ નથી, શું કરી શકું?
 
-ભાવિન ગોપાણી

 
સ્વર: મકબૂલ વાલેરા,
સ્વરાંકન: મકબૂલ વાલેરા,