કદી રસ્તામાં ભટકીને ભ્રમણમાં તીર્થ જોયું છે
કદી રસ્તાઓ ઓળંગી ચરણમાં તીર્થ જોયું છે

કરી છે જિંદગીની તીર્થયાત્રા એમ મેં પૂરી ભર્યો મેં શ્વાસ છેલ્લો મરણમાં તીર્થ જોયું છે

ફરિશ્તો હું નથી, હું તો નજીવો એક માણસ છું
તરસ લાગી મને ત્યારે ઝરણમાં તીર્થ જોયું છે

મને શું લઈ જશો કાબા? મને શું લઈ જશો કાશી?
અહીંયા મેં તો પોતાના શરણમાં તીર્થ જોયું છે

હવે આ ડૂબવું બચવું બધીએ ગૌણ છે બાબત
નમન જળને કર્યું છે મેં તરણમાં
તીર્થ જોયું છે

તો તમને ઝાંઝવાઓ થી વધારે ભ્રમ થયો સમજો
તમે કસ્તૂરી રૂપે જો હરણમાં
તીર્થ જોયું છે

અમારે દ્વાર નહિતર એ ગઝલને કેમ લઈ આવે
ભલા એ શબ્દ છે જેણે અભણમાં તીર્થ જોયું છે
 
-અશરફ ડબાવાલા
 
સ્વર : ડો. ભરત પટેલ
સ્વરાંકન : ડો. ભરત પટેલ