દીકરી મારા ઘરનો દીવો.mp3

 
 

દીકરી મારા ઘરનો દીવો
અજવાળાંની હેલ,
દીકરી હોય ત્યાં રોજ દીવાળી ,
સુખની રેલમછેલ

મમ્મીનો તું અંશ છે બેટા,
ઓળખ તું પપ્પાની
દીકરી, તું દોલત અમારાં
સહિયારાં સપનાંની
સાથમાં તારા ગૂંથાઇ લીલી
લાગણીઓની વેલ

ખોળલે ખેલતી, મીઠડું મલકે,
શું ય વિચારતી તું ?
સુખની તારા, મનમાં મારા,
કામના કરતી હું
લક્ષ્મી જેને ઘેર પધારે,
ઝૂંપડી લાગે મ્હેલ

એક દી’ આંગણ ગૂંજશે
મીઠાં સૂર ભરી શરણાઇ
પાનેતરમાં લાડકી જાણે
લજામણી શરમાઇ
કંકુભીનાં પગલાં પાડતાં
લઇ જશે તારો છેલ.

આપણે આંગણ કંકુપગલાં ,
કોઇને કંકુથાપા
સમય કેરાં રણમાં તરશે
સ્મરણોના તરાપા
વેળ વીતે એને વાળવી પાછી
નથી હવે એ સ્હેલ

ટહુકા સૂનો માળો એવું
દીકરી સૂનું ઘર
યાદનું વાદળ મનને ઘેરે ,
નયનોમાં ઝરમર
મનના માનેલ મોરલા સંગે
જાય ઢળકતી ઢેલ

દીકરી માનો દિલ ધબકારો ,
દીકરી બાપનો શ્વાસ
ઇશ્વર એને દીકરી દેતા
જેના પર વિશ્વાસ
પાંચ આંગળીએ પરમેશ્વરને
જેમણે હોય પૂજેલ.
 
– તુષાર શુક્લ
 

સ્વર: પાયલ વૈદ્ય