એના  ઘરની  એક બારી મારા ઘર  સામે હતી
મારી જે  દુનિયા  હતી મારી નજર સામે  હતી

એક   સરખો  ગર્વ  બંનેને  હતો  વ્યક્તિત્વનો
એક  ઊંડી  ખીણ  પર્વતના શિખર સામે  હતી


રાતે   ચિંતા   કે  સવારે   સૂર્ય  કેવો  ઊગશે
ને  સવારે
,   સાંજ  પડવાની ફિકર સામે  હતી

ને   વસંતોને  ઊમળકાભેર  માણી  લેત પણ
પણ હાય રે
! એક વેંત છેટે પાનખર સામે હતી

હું  જ અંધારાના ડર થી આંખ ના ખોલી શક્યો
એક  સળગતી  મીણબત્તી  રાતભર સામે હતી


મિત્રને  શત્રૂની  વચ્ચોવચ ખલીલ  ઊભો હતો
એક આફત પીઠ  પાછળ એક નજર સામે હતી.

 

          ખલીલ ધનતેજવી