કિયે તે  બારણેથી  ઘરમાં  પધાર્યા રાણી – ?
–  અમે   તો  ઓટલે  બેઠા’તા રાખી અંધાણી

ગયા  તો લઈને  ગયા આગવી સમજ શાણી
ધર્યો  જો  હોત  ખોબલો  તરી  શકત   પાણી 

રદીફ  કાફિયાના    ઢોલ   છે   નગારાં  છે …
ગઝલ  તો  ખૂણામાં બેઠી   છે ઘૂમટો  તાણી !

સુખી   સુખી   અને  સંપન્ન  કુટુંબ   લાગે  છે
હસીખુશીથી  પીએ – ખાય  ધૂળ  ને  ધાણી ! 

છે    શૂરવીર    વટાવે   જે    શ્હેરની  સડકો
અને  કરે  જે  ઘરમાં  આવી વ્હાલની લ્હાણી ! 

લગાડો  લાહય   અને સજ્જ થઈ સુણો, મિત્રો
કવિના  શબ્દમાંથી     થાય   છે   નભોવાણી 

હતુ   શું  એવું  કે   ઝિલાઈ  નહિ  અમારાથી –
– કદીક  પાછલા પ્હોરે   પ્રગટ થતી   વાણી .. 

–  લલિત ત્રિવેદી