બોલે બુલબુલ
આ રે ગુલાબી મારી નીંદરની પાંખડીએ
ઝીણા ઝરે સૂર કોના આકુલ? બોલે બુલબુલ
ચૈતરની ચાંદનીનાં ફોરાં શા સૂર એ,
આવી છંટાય મારી પાંપણે અમૂલ ….બોલે બુલબુલ
રજની વલોવી એણે શું શું રે પીધું?
અમરત પિવડાવવામાં રહેતું મશગૂલ! બોલે બુલબુલ
અરધું પરધું સુણાય તોય રચે શો મૃદુલ
પૃથિવી ને સ્વર્ગ વચે સૂર તણો પુલ! બોલે બુલબુલ

કવિ: ઉમાશંકર જોશી

સ્વરકાર: અમર ભટ્ટ

ગાયક: ઐશ્વર્યા મજમુદાર