હેલો જીંદગી..
કદી સૂકી, કદી ભીની,
કદી તરસી , કદી વરસી,
તારા વિષે કહુંતો કહું શું હું , જીંદગી ?
હેલો જીંદગી !

બદલાય ક્યારે મોસમ ના જાણીએ અમે,
કોરી છું તું કિતાબ છતાં માણીએ અમે .
કોઇને પૂરી લાગે , કોઇને અધૂરી..
તું કામ , નામ , દામ ને આરામ , જીંદગી .
હેલો જીંદગી ..!

કયારેક તું ગણિત , ક્યારેક ગીત છે.
ક્યારેક શબ્દ છે તું, કદી મૌન પ્રીત છે.
સંજોગોની છે સોય , દોરો છેશ્વાસનો,
છેડો છૂટી જતો અહીં અધૂરા પ્રયાસનો.
ધબકારમાં સંભળાય છે એ તારી બંદગી.
હેલો જીંદગી..!

મૃગજળ તું કે જળ છું ,પીઉં છું હું તને
જેવી છું તેવી મારી છું ,જીવું છું હું તને .
તું હોય છે સતત અને હું કરતો આવ જાવ
હું હોઉં નહીં ત્યારે કરે છે શું? મને સમજાવ
હુંંકાર ને ઓમકારની વચ્ચેપસંદગી..
હેલો જીંદગી..!

-તુષાર શુક્લ

સ્વર : નયનેશ જાની

સ્વરાંકન : નયનેશ જાની