એવા  વિચારમાં જ વીતે છે સફરની સાંજ;
કેવી  રીતે  સદી ગઈ તારા વગરની સાંજ !

દિવસો  જતાં  ફરી   વળી  ચોપાસ શૂન્યતા,
પ્હેલાં  હતી  ભરી  ભરી તાજી કબરની સાંજ.

તું  આ  તરફ  શું  કામ  આવે છે  હે  જિંદગી,
છે  લોહિયાળ  કૈંક જખમોથી  નગરની સાંજ.

ખારાશ  એટલે  જ  તો   હિસ્સો   છે  આંખનો,
રસ્તામાં ક્યાંક આથમી મારી નજરની સાંજ.

ખોળામાં તારા આખરી શ્વાસો બીજું  તો  શું ?
તારા જ નામ પર હતી આ ઉમ્રભરની સાંજ.

– અશોક ચાવડા ‘બેદિલ ’