કોરી-કોરી પાટી જેવો ભીનો ભીનો એક છોકરો,
મારી સાથે રોજ ફરે છે.
સાચું કહું તો હજુ ઘણોય અણસમજુ છે.
વાત-વાતમાં ચોમાસાની વાત કરે છે.

અમે એકલા રમીએ એમાં
રમત-રમતમાં એ સાવ અચાનક થઇ જાતો ગુમ!
થઇ જાતો સન્નાટો ત્યારે છાતી ધબકે
છાતી ધબકે એમ પાડતાં બૂમ!
બૂમ સાંભળી ઝાંખો ઝાંખો સામે આવે,
ત્યારે એની ભોળી ભોળી આંખ ડરે છે.

દૂર આવતી જોઇ શ્વાસમાં સ્થિર થઇને
સાંભળતા એ પગરવનો ધબકાર
અંદર જાણે એક પછી આ, એક પછી આ,
એક પછી આ ખૂલતાં સઘળાં દ્વાર!
સાવ સમીપે જઇને એને સ્પર્શ કરું તો મૂળસોંતરો,
લીલો લીલો સાવ ખરે છે…

– વંચિત કુકમાવાલા

સ્વર : પ્રગતિ મહેતા
સ્વરાંકાન : સુગમ વોરા