તમે જુઓ તે અમે ન સાજન, તમે જુઓ તે તન
અમે તમારે શમણે મ્હોર્યાં, રૂપ રૂપનાં વન

આંખ તમારી જુએ સપાટી અમે છુપાયા તળિયે
ભીતરને તળ તરો સજન તો રતન સમા સાંપડીએ

ફૂલ ફૂલમાં ફોરમ ફોરમ અમે વસંતી યૌવન
તમે જુઓ તે છીપ સજનવા, અમે માંહ્યલાં મોતન

તમે જુઓ તે અમે ન સાજન, તમે જુઓ તે તન

તમે સુણો તે શબ્દ અમે ના, અમે નીરવ નીતરીએ
અમે ન રેશમ સ્પર્શ, અમે એકાંત ભરી ઊભરીએ

અમે લહેર આંસુની સાજન, તમે છલકાતાં લોચન
અમે તમારી મરુભોમના ઝરમર ઝરમર સાવન

તમે જુઓ તે અમે ન સાજન, તમે જુઓ તે તન

-ચંદ્રકાન્ત દત્તાણી

સ્વરઃ શ્રદ્ધા શ્રીધરાણી