જડી, જડી, હું જડી હરિને માઝમ રાતે જડી,
મંદિર માથે ધજા ચડે એમ હું ય ઢોલિયે ચડી!

ચૂમું મારાં ભાયગને કે ચૂમું હરિને, સૈ!
ખરી પડેલી ડાળ હું પાછી ઝાડે વળગી ગૈ,
કેમ કરી ઓળંગું, પરવત શી અવઢવની ઘડી!

ખાલીખમ કૂવામાં આપોઆપ પ્રગટિયાં અમી,
હરિ જેટલા ગમ્યા એટલી મુને, મૂઈ! હું ગમી!
મુંને આંબવા મુજ સોંસરવી હરિ કાઢતા હડી…

-રમેશ પારેખ

સ્વર : ઐશ્વર્યા મજુમદાર
સ્વરાંકાન : સુરેશ જોશી