સાંજ પડીને ઘેર જવા હું સાથ રહ્યો તો ખોળી,
દીઠી મેં ત્યાં .. આવતી સામે..(૨) બાળા એક ભોળી,
સાંજ પડીને ઘેર જવા હું…

દીઠા તેના નેણ સુહાગી, સુહાગી નેણ તેના,
ધીમે રહીને પૂછ્યું તેને કોની કહે તું બહેના?!
લજામણીના છોડ સમી તે નમણી નાજુક વેલ,
બોલ સૂણીને આંખ ઢળી તે, આંખ તે નમેલી,
સાંજ પડીને ઘેર જવા હું…

કાળા કાળા કેશ તારા, કેશ તારા કાળા (૨)
દિન સાથે બેસી રજનીએ ગૂંથ્યા ક્યારે બાળા?(૨)
ગૌર ભરેલા વદને તેને ગોરા મુગ્ધ ગાલે,(૨)
નાનકડા બે ગુલાબ ખીલ્યા, ઊષા ખીલી કંઈ ગાલે (૨)
સાંજ પડીને ઘેર જવા હું…

અધીર ડગલા ભર્યા આગળ, ડગ ભર્યા મેં ચાર,
ઊંચી નીચી થતી મેં તેને, હૈયે દીઠી માળ (૨)
છાનીમાની શરમાતી ત્યાં આવી રાત કાળી,
હૈયે મારે ઢળી રહી મેં આતુર આંખ ઊઘાડી ..(૨)
સાંજ પડીને ઘેર જવા હું…
વેણી માથે ફૂલ ગૂંથ્યા મેં, ફૂલ ગૂંથ્યા મેં સાત,
કંઠે મારે રહ્યા વીંટાઈ નાજુક તે બે હાથ…!(૨)

-ઝીણાભાઈ દેસાઈ- ‘ સ્નેહરશ્મિ ‘

સ્વર : નયન પંચોલી

સ્વરાંકન : છીપા

સંગીત : અમિત ઠક્કર