હવે માધવ મેળવશે તો મળશું, સખી
હવે માધવ મેળવશે તો મળશું…
વરણાગી વાયરે વિહરશું, સખી

હવે માધવ મેળવશે તો મળશું….
મોરલાના ટહૂકે દીધો મોહનને સાદ
અને વાયરાને વાંસળી અપાવી મેં યાદ
લહેરખીએ ગોપીગીત ગાશું, સખી
હવે માધવ મેળવશે તો મળશું…

મીસરી ને માખણની દીધી છે આણ
દર્શનની ઝંખના, મારગ અજાણ
અમે સપનાને સથવારે ચાલશું, સખી
હવે માધવ મેળવશે તો મળશું…

કોરા કાળજડામાં કોતરીશું કહાન
અહીં વ્રજરજમાં વેરાયું માધવનું વહાલ
એના પગલાંની છાપ અમે ગોતશું, સખી
હવે માધવ મેળવશે તો મળશું, સખી.

-ડૉ નિભા હરિભક્તિ

સ્વર : નિશા કાપડિયા
સ્વરાંકન : શ્યામલ સૌમિલ મુનશી