પરપોટો પાણીમાં મુંઝાય, હો ખલાસી
પાણીમાં મુંઝાય હો રે,
પાણીથી મુંઝાય હો રે,
પાણી માંથી કેમ કરી અળગાં થવાય?

પાણીમાં બંધાણું એનું પોત હો, ખલાસી
અને પાણીમાં છપાણું એનું નામ
સામું ગામ પરપોટા સોંસરું દેખાય
અને પરપોટો ખૂંત્યો અહીં આમ;
અરે પાણીમાં રહેવાં ને પાણીમાં ના રહેવાય
પરપોટો પાણીમાં મુંઝાય

પાણીમાં દેખાય આખું આભ હો, ખલાસી
એમાં કેમ કરી ઊડવા જવાય?
પાંગળા તરાપા અને હોડીયું ય પાંગળી
કેે પાણીમાં તો એ બૂડે, ભાઈ
અરે, પરપોટો કેવો રે નોંધારો ફૂટી જાય
પરપોટો પાણીમાં મુંઝાય

-રમેશ પારેખ

સ્વર : શ્રૃતિ વૃંદ
સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ