તારી આંખે દુનિયા હું મન ભરી  ને માણું
વ્હાલમાં તરબતર તું લાગે  પરમ કૃપાળુ

તું જ વિધાતા, તું જ અન્નદાતા
ઝીણું  તું કાંતે  મારું   જીવન
જરીક  જ્યાં હું  સરકું  ત્યાં તો
સરકે     તારું     ત્રિભુવન

જરીક  સરકી  તને  હું વ્હાલ ભરી પંપાળું
વ્હાલમાં તરબતર તું લાગે  પરમ કૃપાળુ

તું જ અંધારું , તું જ અજવાળું
શ્વાસની  સરગમ  તારે હવાલે
પંખી ના ટહૂકા, ફૂલની ફોરમ
મારું   અંગે   અંગ   સજાવે

તારી પાંખે હું ઉડું ને ગગન લાગે નિરાળું
વ્હાલમાં તરબતર તું લાગે  પરમ કૃપાળુ

તું જ મંજીરા, તું જ તંબુરા
મારામાં    ગુંજે   બુલબુલ
પરોઢે   ગીત મધુરા  ગાઈ
મારામાં    રહેતી   મશગૂલ

હરઘડી તને લાગે કે મને તું કેમ સંભાળું
વ્હાલમાં તરબતર તું લાગે પરમ કૃપાળુ

– અમિત ત્રિવેદી