ઝાડ પહેલા મૂળથી છેદાય છે
એ પછીથી બારણું થઈ જાય છે

આ ગગનચુંબી ઘરો સર્જાય છે
આભ તો પંખીનું ઓછું થાય છે

એમને તું કેમ છત્રી મોકલે?
જે અહીંયા જાણીને ભીંજાય છે

સ્વપ્ન જેવું હોય શું એ બાળને?
ડાળે જેનું ઘોડિયું બંધાય છે

આજ ઇચ્છાના હરણ હાંફો નહીં
ખૂબ પાસે જળ સમું દેખાય છે

કોઈને પથ્થર હૃદય કહેશો નહીં
આંસું પથ્થરના ઝરણ કહેવાય છે

એકલા આવ્યા જવાના એકલા
પણ અહીં ક્યાં એકલા જિવાય છે

-ગૌરાંગ ઠાકર

સ્વર : સોહિલ બ્લોચ

સ્વરાંકન : ડો ભરત પટેલ