સુખની આખી ઇન્ડેક્સ અને અંદર દુ:ખના પ્રકરણ,
તમે જિંદગી વાંચી છે? વાંચો તો પડશે સમજણ.

પૂંઠા વચ્ચે પાનાં બાંધ્યા, જેમ ડચૂરા બાઝે
આંસુના ચશ્માં પહેરીને પાને પાનાં વાંચે.
પથ્થરના વરસાદ વચાળે કેમ બચાવો દર્પણ?

હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવા લાયક,
તમે ફેરવો પાનાંને એ પુસ્તકમાંથી ગાયબ.
ફાટેલાં પાનાંના જેવાં ફાટી જાતાં સગપણ.

આ લેખક પણ કેવો એને દાદ આપવી પડશે,
લખે કિતાબો લાખો પણ ના નામ છપાવે કશે.
હશે કદાચિત લેખકજીને પીડા નામે વળગણ.

– મુકેશ જોશી