તું માન ન માન  કિરતાર આપણે મળ્યાં છીએ એકવાર
ક્યાં ને ક્યારે કાંઈ ન જાણું પણ સ્મૃતિમાં સંચાર

કોઈ તને ચતુર્ભુજ ચીતરી તસ્વીરમાં ટીંગાવે
કોઈ હાથમાં બંસી આપે,  મોર મુગુટ પહેરાવે
પણ જો એ રાતા  આ ચ્હેરાની ઝાંખી નહીં લગાવે

અનુભૂતિ અણધારી તારી ભરી ભીડમાં થઇ તો ગઈ
અરે યાર તને ઢુંઢવા માટે ભૂગોળ બાકી રહી નહી
કોઈ સૂરત જડે  તારા સરખી પણ આવે નહી ઈતબાર

નિરાકાર તું એક વાર મને પવન મહીં  પરખાયો
ફૂલ નહિ પણ ફૂલની મ્હેંકે  જોયો મેં પથરાયો
તું જોવા જેવો લાગ્યો ભઈલા વીજળીના ઝબકારે
સૂરજમાં સરકી બૂઝાતો જોયો સાંજ સવારે
છોડ હવે આ માથાકૂટ ભઈ મળી જશું અણધાર


– અવિનાશ વ્યાસ
સ્વર : આલાપ દેસાઈ