કેમ સખી ! ચીંધવો પવનને ? રે, હું તો ખાલી શકુંતલાની આંગળી.

ઝંઝાના સુસવાટા પાંખમાં ભરીને ઊડું, આખું ગગન મારી ઇચ્છા.
વહેલી પરોઢના ઝાંખા ઉઘાડમાં, ખરતાં પરભાતિયાનાં પીંછાં.
ઉરમાં તે માય નહિ ઊડતો ઉમંગ મને, આવીને કોઈ ગયું સાંભળી.
ખાલી શકુંતલાની આંગળી.

ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઈ એવું તો મન ભરી ગાતો.
જંગલમાં ધોધમાર વરસે ગુલમોર ! ક્યાંક કાગડો ન થઈ જાય રાતો !!
આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી, સૂર થઈ ઊડી જાય વાંસળી.
ખાલી શકુંતલાની આંગળી.

-અનીલ જોશી

સ્વર : કલ્યાણી કોઠાલકાર
સ્વરાંકન : રુદરદત્ત ભટ્ટ
સંગીત : નીરવ – જ્વલંત

સૌજન્ય : સંજયભાઈ રાઠોડ, સુરત