ઊડ ઊડ કરતું એક બીજું નિરાંત કરે છે
અંદરના પંખીની સંતો વાત કરે છે

એક પલકમાં તરણા માફક તૂટી જાશે
ઈચ્છા વચ્ચે ઊભો જે ઠકરાત કરે છે

અક્ષરનો મહિમા તો બંધુ ઓહો ઓહો
ક્ષણમાં નશ્વર હોવાને રળિયાત કરે છે

ભીતરના અજવાસની ભોગળ વાસી દઈને
સાવ અમસ્તો સૂરજની પંચાત કરે છે

આ માટી ની મેહફીલમાં મહેમાન હતો હું
સાધુ કેવી દરવેશી રજૂઆત કરે છે

-શ્યામ સાધુ

સ્વર : નિગમ ઉપાધ્યાય
સ્વરાંકન : ડો ભરત પટેલ