કારણ ક્યાં છે એક ?
આ બાજુ કરતાંય અલગ પેલી બાજુની મહેક.

તું બોલાવે તે જ ક્ષણે બોલાવે કોઈ ત્યાં,
અવઢવ એવી થાય: ચરણને લઈ ને જાવું ક્યાં?
દશે દિશાઓ છુટ્ટી મૂકે દૂરદૂરથી ગહેક.

અંધકારમાં દીવાઓની ઝીણી ઝીણી ભાત,
સોળ સજી શણગાર ઉતારી નભથી કોણે રાત?
સાદ પાડતી સવાર ત્યાંતો ઉગમણે થી છેક.

હું મારું છું: ફૂંક રાખજે તું વીંધેલો વાંસ,
આવ અહીં સમજાશે સૌને શુ છે આ સહવાસ?
એકબીજામાં વસીએ: અળગી કરીએ ફેંકાફેક.

  • મનોહર ત્રિવેદી

સ્વર : પ્રહર વોરા
સ્વરાંકન : ડો. ભરત પટેલ