પગલાંનું વ્હેતું જાય ઝરણ ક્યાંથી ક્યાં સુધી
પ્હોંચ્યા હશે તો બોલો ચરણ ક્યાંથી ક્યાં સુધી

તારી ભીની હથેળી સમી તાજગી નથી
પથરાયું શુષ્ક વાતાવરણ ક્યાંથી ક્યાં સુધી

આ શ્વાસમાંય કેટલી કુમળાશ આવી ગઈ
એક વિસ્તરી છે રેશમી ક્ષણ ક્યાંથી ક્યાં સુધી

આંખોમાં સ્વપ્ન ઘાસની લીલાશનું લઈ
દોડે છે ઝંખનાનાં હરણ ક્યાંથી ક્યાં સુધી

તળાવ ફૂલ નગર સૂરજ ને વને વને
ભટક્યાં કરે છે તારાં સ્મરણ ક્યાંથી ક્યાં સુધી

-મનોજ ખંડેરિયા

સ્વર : ગંગોત્રી ભરત પટેલ
સ્વરાંકન : ડો ભરત પટેલ